શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર

સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઉજવણી માટે ઇ.સ.૨૦૧૦માં સચિવકક્ષાની એક ઉચ્ચકક્ષાની સમિતિ કામ કરતી હતી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આ સમિતિને દિશાસૂચન આપતા હતા. આ વિષયની ચર્ચામાં માન. વસંતભાઇ ગઢવી પણ હતા અનેક કેળવણીકારો, સાક્ષરો અને લોકવિદ્યાવિદ્દોના મંતવ્યો પણ લેવામાં આવતા હતા. આ ચર્ચા અંતર્ગત એક વાત લગભગ સૌના મનમાં રમતી હતી, કે ગુજરાતનાં સમગ્ર સાહિત્યભંડારમાં લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યનું એક આગવું મૂલ્ય છે. તેથી ગુજરાતનાં ઉજળા સાંસ્કૃતિક વારસા સમાન આ ધરોહર ઉજાગર થવી જોઈએ. આ વાતના સમર્થનમાં જાહેરજીવનના બે જાણીતા આગેવાનો શ્રી પરસોત્તમ રૂપાલા અને શ્રી પુષ્પદાન ગઢવીના સૂચનો પણ આવ્યા. આ સૂચનો અંતરની લાગણી અને મજબૂત તર્ક સાથે રજૂ થયા હતાં. એટલે લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યનું જતન-સંવર્ધન થવું જોઈએ અને એ માટે રાજ્ય સરકારે કંઇક આયોજન કરવું જોઈએ એવું તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈનું માર્ગદર્શન હતું. આ બધાનાં પરિણામ સ્વરૂપ ડિસેમ્બર-૨૦૧૨-માં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે આ કેન્દ્રનો પ્રારંભ એ રાજ્ય સરકારની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. કેન્દ્રને તેના પ્રારંભથી જ હસુ યાજ્ઞિક, દરબાર પુંજવાળા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી કવિદાદ, ડૉ. ભગવાનદાસ પટેલ, ડૉ. બળવંત જાની, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, ભાગ્યેશ જ્હા, વસંતભાઇ ગઢવી, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, શિવદાન ગઢવી, અભેસિંહ રાઠોડ, નીતિન વડગામા, બિહારીભાઈ ગઢવી, પૂર્વ કુલપતિશ્રીઓ ડૉ. મહેન્દ્ર પાડલિયા, ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ, ડૉ. કમલ ડોડીયા, ડૉ. નીલંબારીબહેન દવે, ડૉ. નીતિન પેથાણી, પૂર્વ ઉપકુલપતિશ્રી વિજય દેસાણી, અકાદમીના પૂર્વ મહામાત્રશ્રીઓ હર્ષદ ત્રિવેદી, ચેતન શુક્લ, મનોજ ઓઝા, અજયસિંહ ચૌહાણ, હિંમત ભલોડિયા, સ્થાપક નિયામકશ્રી ડૉ. અંબાદાન રોહડિયા, અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ જેવા અનેક વિદ્વાનો અને પદાધિકારીઓનું માર્ગદર્શન મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીની અધ્યક્ષતામાં અને કાર્યવાહક સમિતિના માર્ગદર્શનમાં કેન્દ્રના સંચાલન અને પ્રવૃત્તિઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે.

કેન્દ્ર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેમાં લોકસાહિત્યક્ષેત્રે પાયાનું સંશોધન કરનાર વિદ્વાનને પ્રતિવર્ષ રૂપિયા એક લાખનો ઝવેરચંદ મેઘાણી એવૉર્ડ, લોકસાહિત્યના પ્રસ્તુતિકરણ માટેનો પ્રતિવર્ષ રૂપિયા એક લાખનો લોકગાયક હેમુ ગઢવી એવૉર્ડ, સંશોધન પ્રોજેક્ટ, પરિસંવાદો માટે અનુદાન, મહત્ત્વના ગ્રંથોનું કેન્દ્ર દ્વારા પ્રકાશન, લેખકોને ગ્રંથ પ્રકાશન માટે અકાદમીના ધોરણે અનુદાન, અનુવાદ દ્વારા આદાન-પ્રદાન, લોકસાહિત્યનાં સંશોધકો અને લોકગાયકો સાથે સંવાદ અને તેનું ઓડિયો-વિડીયો રેકોર્ડીંગ અને દસ્તાવેજીકરણ, વ્યાખ્યાનમાળાઓનું આયોજન, ‘લોકગુર્જરી’ ત્રૈમાસિક સામયિકનું પ્રકાશન, લોકસંગીત અને લોકસાહિત્યનું પ્રસ્તુતિકારણ, બારહજાર જેટલી હસ્તપ્રતોનું ડિઝીટીલાઇઝેશન અને તેની જાળવણી. એમ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેન્દ્ર આપણાં લોકસાહિત્ય, લોકસંગીત અને લોકસંસ્કૃતિનું જતન-સંવર્ધન કરી રહ્યું છે.